અમારી થીમ

‘દૃષ્ટિકોણ બદલો, જીવન બદલો.’


વિખ્યાત બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા કહેતા : ‘બાળકના આપણા પ્રત્યેનાં વાણી-વર્તન અયોગ્ય કેમ છે ? કારણ કે બાળકો પ્રત્યેનાં આપણાં વાણી-વર્તન અયોગ્ય છે.’

બાળકો પ્રત્યેનાં આપણાં વાણી-વર્તન ક્યારે યોગ્ય થાય ? જ્યારે આપણો બાળકોને જોવાનો દૃષ્ટિકોણ(વિચાર) બદલે.

ઉત્તમ બાળ ઘડતર કરવા માટે ‘દૃષ્ટિકોણ પરિવર્તન’ એ સૌથી પ્રથમ અને પાયાનું પગલું છે.

જૂના દૃષ્ટિકોણથી નવા દૃષ્ટિકોણ તરફ

મારું બાળક બુદ્ધિશાળી છે, ઠોઠ નહીં.

હેલન કેલર અંધ, બધીર અને મૂક હતાં. એમનાં માતા-પિતા અને શિક્ષકે તેઓને ‘ઠોઠ’ માન્યાં હોત, તો તેઓ સફળ લેખક અને વિચારક બની શકત ?

દરેક બાળકમાં ઈશ્વરે કોઈ ને કોઈ અદ્ભુત ખાસિયત મૂકી જ છે. દરેક બાળક જુદી-જુદી રીતે હોશિયાર જ છે ! માતા-પિતાનું કર્તવ્ય છે કે મલ્ટિપલ ઇન્ટેલિજન્સીનો આધુનિક કોન્સેપ્ટ સમજી, અનંત વિશ્વાસ અને ધીરજ રાખી, બાળક જેના માટે બન્યો છે, ત્યાં સુધી તેને પહોંચાડે !

આપણા સંતાનને બુદ્ધિશાળી માની, તેમાં છુપાયેલ લેખક, વિચારક અને સર્જકને બહાર લાવીએ !

જૂના દૃષ્ટિકોણથી નવા દૃષ્ટિકોણ તરફ

મારું બાળક શક્તિશાળી છે, તોફાની નહીં.

બેન કાર્સને પાડોશી બાળકને ચપ્પુથી મારવાની ચેષ્ટા કરી હતી. એમનાં માતાએ તેઓને ‘તોફાની’ માન્યા હોત, તો તેઓ અમેરિકાના શ્રેષ્ઠ ન્યૂરો સર્જન બની શકત ?

દરેક બાળકમાં ઈશ્વરે અનંત શક્તિ મૂકી છે. ઈશ્વરની જ યોજના છે કે તે શક્તિ તેની દશેય ઈન્દ્રિયો દ્વારા પૂર્ણ રીતે અભિવ્યક્ત થાય અને બાળક ૨૦ વર્ષ બાદ આવનાર પોતાના પડકારમય ભવિષ્ય માટે અત્યારથી જ તૈયાર થાય. જે બાબતને આપણે તોફાન ગણી લઈએ છીએ !

આપણા સંતાનને શક્તિશાળી માની, તેમાં છુપાયેલ ડોક્ટર-એંજિનિયર કે કલાકારને બહાર લાવીએ !

જૂના દૃષ્ટિકોણથી નવા દૃષ્ટિકોણ તરફ

મારું બાળક દૃઢ નિશ્ચયી છે, જીદ્દી નહીં.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન નાનપણમાં કોઈ એક વાત પકડે પછી મૂકતા જ નહીં. એમનાં માતા-પિતાએ તેમને ‘જીદ્દી’ માન્યા હોત, તો તેઓ વિશ્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક બની શકત ?

સફળતા માટે દરેક બાળકમાં જીદ્દ હોવી જરૂરી છે. બાળકની ‘જીદ્દ’ને આપણે ‘દૃઢ નિશ્ચય’ તરીકે જોતાં થઈશું, તો આપણને બાળક પર ગુસ્સો નહીં, દયા આવશે. આપણને બાળકની નહીં, આપની પોતાની ભૂલ સમજાશે. આપણા ઘરે પણ આઈન્સ્ટાઈન છે, દૃષ્ટિકોણ બદલીએ તો !

આપણા સંતાનને દૃઢ નિશ્ચયી માની, તેમાં છુપાયેલ વૈજ્ઞાનિકને બહાર લાવીએ !

જૂના દૃષ્ટિકોણથી નવા દૃષ્ટિકોણ તરફ

મારું બાળક વિચારશીલ છે, આળસુ નહીં.

થોમસ આલ્વા એડિસન નાનપણમાં બીજાની વાત તરત સમજી એક્શન લઈ શકતા નહીં. એમનાં માતાએ તેઓને ‘આળસુ’ માન્યા હોત, તો તેઓ ૩૦થી વધુ શોધો કરનાર વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ બની શકત ?

દરેક બાળકની સમજવાની, વિચારવાની ઝડપ જુદી-જુદી હોય છે. આપણે બાળકને આપણા કે સમાજમાં નક્કી થયેલા ધોરણોને આધારે જ મૂલવીશું, તો ભૂલ થવાની ચોક્કસ સંભાવના છે. બાળકને ‘આળસુ’નું લેબલ આપી દઇશું, તો તે આળસુ નહીં હોય, તો પણ એ મુજબ રોલ ભજવવા માંડશે.

આપણા સંતાનને વિચારશીલ માની, તેમાં છુપાયેલ ઉદ્યોગપતિને બહાર લાવીએ !

જૂના દૃષ્ટિકોણથી નવા દૃષ્ટિકોણ તરફ

મારું બાળક સમજુ છે, અણસમજુ નહીં.

શ્રીનિવાસ રામાનુજન નાનપણમાં કોઈને પણ સમજાય નહીં તેવા પ્રશ્નો પૂછતા. એમનાં માતા-પિતા અને શિક્ષકે તેઓને ‘અણસમજુ’ માન્યા હોત, તો તેઓ ઉત્તમ ગણિત શાસ્ત્રી બની શકત ?

દરેક બાળકનું ફક્ત શરીર નાનું છે, તેનાં મન-બુદ્ધિ નહીં. દરેક બાળક ઈશ્વરે આપેલ કે પૂર્વ જન્મ આધારિત પોતાનું અલગ મિશન - સમજ લઈને આ દુનિયામાં આવે છે. ચિંતક ખલીલ જીબ્રાન કહેતા : બાળક આપણા દ્વારા આવે છે, પરંતુ તે કુદરતનું સંતાન છે. તેઓ પર આપણો અધિકાર નથી !

આપણા સંતાનને સમજુ માની, તેમાં છુપાયેલ ગણિતશાસ્ત્રીને બહાર લાવીએ !

જૂના દૃષ્ટિકોણથી નવા દૃષ્ટિકોણ તરફ

મારું બાળક પવિત્ર છે, અપરાધી નહીં.

મહાત્મા ગાંધીજીએ નાનપણમાં અયોગ્ય કર્મો અને ચોરી કર્યાં હતાં. એમનાં માતા-પિતાએ તેઓને ‘અપરાધી’ માન્યા હોત, તો તેઓ ‘મેન ઓફ ધ મિલેનિયમ’ બની શકત ?

દરેક બાળક મૂલત: પરમ પવિત્ર, પરમ દિવ્ય આત્મા છે. બાળ ઘડતરની હાલની આપની વિચારધારાને જડ મૂળથી બદલવાનો સમય આવી ગયો છે. તો જ આપણે ‘સુખી સંતાન, સુખી કુટુંબ, સુખી વિશ્વ.’ તરફ પ્રસ્થાન કરી શકીશું. મને વિશ્વાસ છે, આપણે સૌ ભેગા થઈ આ આશ્ચર્ય સર્જી જ શકીશું.

આપણા સંતાનને પવિત્ર માની, તેમાં છુપાયેલ મહાત્માને બહાર લાવીએ !

પેરેન્ટીંગ ક્રાંતિ

જૂના દૃષ્ટિકોણથી નવા દૃષ્ટિકોણ તરફ


‘આપણો બાળકને જોવાનો દૃષ્ટિકોણ ઉત્તમ હશે, તો જ આપણે ઉત્તમ માતા-પિતા બની શકીશું.’

‘આપણા ઘરે પણ ઉત્તમ બાળકો જ જન્મ્યા છે. આપણે બસ દૃષ્ટિકોણ બદલવાનો છે, તો તુરંત જ આપણો પ્રયત્ન બદલાઈ જશે અને બાળકો ઉત્તમ બની જ જશે.’

(જીતેન્દ્ર ટીંબડિયા)

'દૃષ્ટિકોણ બદલ્યા પછી, એ દૃષ્ટિકોણ(વિચાર)ને અનુરૂપ વાણી અને વર્તન કેવાં હોવા જોઈએ ? એ શીખવા માટે આપ અમારો ‘ઈન્ટરનેશનલ પેરેન્ટીંગ વર્કશોપ’ અને ‘ડેઈલી એક્ટિવિટી’ કોર્સ જોઈન કરો.